આજે ભારતમાં સલમાન ખાનને કોઈ ઓળખની જરૂર નથી. દેશમાં તો શું વિદેશમાં પણ તેમના લાખો ફેન છે. ભાઈજાનના નામથી જાણીતા એક્ટર સલમાન ખાને અનેક હિટ ફિલ્મો આપી છે. ફિલ્મને હિટ કરવા માટે આજે તેમનું નામ જ કાફી છે. પરંતુ સલમાન ખાન કેરિયરની વાત કરીએ તો તે ઘણી રસપ્રદ છે. તો આવો જાણીએ તેમની પહેલી ફિલ્મ કઈ હતી અને ક્યાં ડિરેક્ટરે તેમની કેરિયરને ઉંચી લાવવામાં સૌથી મહત્વનો ભાગ ભજવ્યો.
સલમાન ખાનની વાત આવે એટલે સુરજ બડજાત્યાનું નામ તો લેવુ જ પડે. તમને જણાવી દઈએ કે જ્યારે સૂરજ બડજાત્યા 16 વર્ષના હતા, ત્યારે જ તેમણે નક્કી કર્યું હતું કે તે ફિલ્મમેકર બનશે. તેની પાછળનું એક મહત્વનું કારણ એ પણ હતું કે તેમની અગાઉની પેઢીઓ ફિલ્મ નિર્માણના વ્યવસાયમાં જોડાયેલી હતી. તેમના દાદા તારાચંદ બડજાત્યાએ રાજશ્રી પ્રોડક્શનનો પાયો નાખ્યો હતો.

સૂરજ બડજાત્યાએ પોતાનો અભ્યાસ છોડીને મહેશ ભટ્ટ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેની સાથે સાથે તેણે સ્ક્રિપ્ટ લખવાનું પણ ચાલુ રાખ્યું. તેમણે લખેલી સ્ક્રિપ્ટ જ્યારે પૂર્ણ થઈ ત્યારે તેમણે તે તેના પિતા રાજકુમાર બડજાત્યાને બતાવી. રાજ સાહેબે કહ્યું- ત્યારે તેમણે કહ્યું આ અત્યારે નહીં, પહેલા તારી ઉંમર પ્રમાણે ફિલ્મ બનાવ. આમ કહીને રાજ સાહેબે સુરજને રાજસ્થાની લોકકથામાંથી એક પંક્તિ સંભળાવી. એમણે કહ્યું- એક બંજારા તેની દીકરીને તેના મિત્ર પાસે છોડીને કમાવા જાય છે. જ્યારે તે પાછો આવે છે, ત્યારે તેણે જોયું કે તેની પુત્રીનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

પછી શું સૂરજ બડજાત્યા આ સ્ટોરીલાઇન પર ફિલ્મની વાર્તા લખવા લાગ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સ્ક્રિપ્ટ લખવામાં સૂરજને 10 મહિનાનો સમય લાગ્યો હતો. જે બાદ આ ફિલ્મ પર કામ શરૂ થયું. દોસ્તો આ ફિલ્મનું નામ હતું- ‘મૈને પ્યાર કિયા’. 29 ડિસેમ્બર 1989ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે એક એવા સ્ટારને જન્મ આપ્યો જે તેની પહેલી ફિલ્મની રિલીઝના 31 વર્ષ પછી પણ દેશનો સૌથી મોટો સુપરસ્ટાર છે.
સલમાનને આ ફિલ્મ કેવી રીતે મળી?
આ કહાની પણ રસપ્રદ છે, કારણ કે, મૈંને પ્યાર કિયા ફિલ્મ પીયૂષ મિશ્રા અને ફરાઝ ખાન થઈને સલમાન સુધી પહોંચી હતી. 1986માં પીયૂષ મિશ્રા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણતા હતા. તે ત્રીજા વર્ષમાં હતો. અચાનક એક દિવસ ડિરેક્ટર મોહન મહર્ષિએ તેમને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. જ્યાં રાજકુમાર બડજાત્યા પહેલેથી જ બેઠા હતા. થોડી વાતચીત પછી ખબર પડી કે રાજકુમાર બડજાત્યા તેમના પુત્ર સૂરજની પ્રથમ ફિલ્મ માટે હીરોની શોધખોળ કરી રહ્યા છે.
પીયૂષને પોતાનું કાર્ડ આપતા રાજ સાહેબે કહ્યું- તમે રાજ કમલ મંદિર આવીને મને મળો. જો કે પિયુષ મિશ્રા ક્યારેય ત્યાં ગયા નહીં. આ પછી એક્ટર ફરાઝ ખાનને મૈંને પ્યાર કિયા માટે સાઈન કરવામાં આવ્યો હતો. પરંતુ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા ફરાઝની તબિયત લથડી અને તેમણે ફિલ્મ છોડવી પડી. જો કે તમને અહીં એક વાત જણાવી દઈએ કે, અભિનેતા ફરાઝ ખાનનું 4 નવેમ્બર, 2020ના રોજ અવસાન થયું. તે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો, આવી સ્થિતિમાં તેની હોસ્પિટલના બિલની જવાબદારી સલમાન ખાને ઉપાડી હતી.

હવે વાત કરીએ તો આ ફિલ્મની હિરોઈન તો મોડલ શબાના દત્ત ફિલ્મની લીડિંગ લેડી માટે ઓડિશન આપી રહી હતી. સૂરજે તેને પૂછ્યું કે શું તેના ધ્યાનમાં કોઈ અભિનેતા છે? શબાનાએ કહ્યું કે તેણે તાજેતરમાં સલમાન ખાન નામના છોકરા સાથે એડ ફિલ્મનું શૂટિંગ કર્યું છે. તમે તેને ફિલ્મમાં લઈ શકો છો. ત્યાર બાદ સૂરજે સલમાન કાનને ફોન કરીને ઓડિશન માટે બોલાવ્યો હતો. હવે જો સૂરજના શબ્દોમાં કહીએ તો, તેણે પહેલીવાર સલમાનને તેની ઓફિસના રિસેપ્શનમાં બેઠેલા જોયો હતો. તેણે જોયુ કે- ‘એક સિધો સાદો પાતળો છોકરો, સાદા શર્ટ અને જીન્સમાં બેઠો છે.’
બંનેની મુલાકત થઈ પરંતુ સુરજ સલમાનથી કઈ ખાસ પ્રભાવિત ન થયા. સલમાન તેને ખૂબ જ પાતળો લાગતો હતો. આમ પણ જ્યારે પણ કોઈ નવો એક્ટર કોઈ ડિરેક્ટરને મળવા જાય ત્યારે તે તેની સાથે તેની તસવીરો લઈને જતો હોય છે. સલમાને પણ સૂરજને તેના ફોટા બતાવ્યા. તે ફોટા જોઈને સૂરજે પહેલીવાર સલમાનને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવાનો વિચાર કર્યો.
પરંતુ તે આ અંગે વધુ સ્યોર નહોતા તેથી જ એક દિવસ તે સલમાનની એક્ટિંગ જોવા માટે ‘બીવી હો તો ઐસી’ ફિલ્મના સેટ પર પહોંચ્યા. આ ફિલ્મમાં રેખા, ફારૂક શેખ, કાદર ખાન અને બિંદુ જેવા મોટા કલાકારો સાથે સલમાન પણ નાનો રોલ કરી રહ્યો હતો. સૂરજને તેની ફિલ્મના સેટ પર જોઈને સલમાન ખૂબ જ પ્રેમથી મળ્યો. પરંતુ સૂરજે તેને કહ્યું કે તેની કાસ્ટિંગ હજુ ફાઈનલ થઈ નથી. આ સાંભળીને સલમાને સૂરજને અન્ય કલાકારોના નામ કહેવાનું શરૂ કર્યું, જેને સુરજ ‘મૈંને પ્યાર કિયા’માં કાસ્ટ કરી શકે. જો કે સૂરજને આ વાત બહુ વિચિત્ર લાગી અને ક્યાંક આ વાતે જ તેણે સલમાનને કાસ્ટ કરવા માટે મજબૂર કર્યો.

ત્યાર બાદ સ્ક્રીન ટેસ્ટના ઘણા રાઉન્ડ થયા – ઓડિશન થયું. આ બધા પછી સલમાન ખાનને તેની કારકિર્દીની પહેલી ફિલ્મ લીડ રોલમાં મળી. સલમાન ખાનને આ ફિલ્મ માટે 31 હજાર રૂપિયા મળ્યા હતા, જે ફિલ્મની જોરદાર સફળતા બાદ તેમણે પોતાની ફી વધારીને 75 હજાર રૂપિયા કરી દીધી. જો કે સૌથી મોટી વાત એ છે કે, બાદમાં સલમાન અને સૂરજે સાથે મળીને શબાનાને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ તે તેમને ક્યારેય મળી નહીં.
ફિલ્મમાં ભાગ્યશ્રીની એન્ટ્રી
હવે સૂરજને તેની પહેલી ફિલ્મનો હીરો તો મળી ગયો, પણ હિરોઈનનો મામલો હજુ અટવાયેલો હતો. મૈને પ્યાર કિયા બહુ બાઈ લેવલની ફિલ્મ નહોતી. તેથી જ સૂરજ તેમાં નવી હિરોઈનને કાસ્ટ કરવા માગતા હતા. પરંતુ સૂરજની અંદરની ઈચ્છા આ ફિલ્મમાં શ્રીદેવીને કાસ્ટ કરવાની હતી. શ્રીદેવી ત્યાં સુધીમાં ‘મિસ્ટર ઈન્ડિયા’ અને ‘નગીના’ જેવી ફિલ્મોને કારણે સુપરસ્ટાર બની ગઈ હતી. આ ફિલ્મ માટે દેશભરમાં હિરોઈનની શોધ ચાલી રહી હતી.
આ ઉપરાંત રાજકુમાર બડજાત્યા પોતાની ફિલ્મ માટે હિરોઈન શોધવા અલ્હાબાદ જઈ રહ્યા હતા. નક્કી થયું કે અલ્હાબાદમાં તેની શોધ પુરી નહીં થાય તો સૂરજ ચેન્નાઈ જવા રવાના થશે. કારણ કે તે દિવસોમાં શ્રીદેવી ચેન્નાઈમાં પોતાની એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. સૂરજે ફ્લાઈટની ટિકિટ બુક કરાવી લીધી હતી, તે સવારે ચેન્નાઈ જવાનો હતો.
રાજ સાહેબની ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી. તેમણે ત્યાંથી સૂરજને ફોન કર્યો અને તેને ચેન્નાઈનો પ્લાન એક-બે દિવસ માટે મુલતવી રાખવા કહ્યું. કારણ કે તેણે એક મેગેઝિન જોયુ, જેના પર ભાગ્યશ્રી પટવર્ધન નામની યુવતીનો ફોટો છપાયેલો હતો. એ ફોટો જોઈને રાજ કુમાર બડજાત્યાને લાગ્યું કે આ છોકરી તેમની ફિલ્મ માટે પરફેક્ટ છે.

તમને જણાવી દઈએ કે, ભાગ્યશ્રી સાંગલીના રાજા શ્રીમંત રાજાસાહેબ વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધનની પુત્રી છે. રાજ પરિવારમાંથી આવતી ભાગ્યશ્રી મુંબઈમાં અભિનેતા અમોલ પાલેકરની બાજુના ઘરમાં રહેતી હતી. એક દિવસ અમોલ પાલેકરે તેને ટેરેસ પર જોઈ અને તેના ટીવી શો ‘કચ્છી ધૂપ’માં કાસ્ટ કરી લીધી. જોકે, રાજકુમાર બડજાત્યા ભાગ્યશ્રીના પિતાને ઓળખતા હતા. તે તેના ઘરે પહોંચ્યા અને ભાગ્યશ્રીને તેની ફિલ્મમાં કાસ્ટ કરવા આવ્યા હોવાની વાત કરી.
જો કે રાજાસાહેબ ફિલ્મોને ખૂબ જ બોલ્ડ પ્રોફેશન માનતા હતા. પરંતુ થોડી વાતચીત તેમણે ભાગ્યશ્રીને ફિલ્મોમાં કામ કરવાની મંજૂરી આપી અને સૂરજને તેની ફિલ્મની હીરોઈન મળી ગઈ. કહેવાય છે કે ‘મૈંને પ્યાર કિયા’ના સેટ પર ભાગ્યશ્રીએ પહેલીવાર જીન્સ અને વન પીસ ગાઉન જેવા વેસ્ટર્ન આઉટફિટ્સ પહેર્યા હતા. તેણી સામાન્ય રીતે ચૂડીદાર પાયજામા અને કુર્તા પહેરતી હતી.
આ ફિલ્મે ઈતિહાસ રચી દીધો અને 35માં ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘મૈંને પ્યાર કિયા’ને કુલ 12 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. તેમાંથી આ ફિલ્મે 6 એવોર્ડ જીત્યા હતા. આ એક રેકોર્ડ હતો, તે સમયે કોઈ ફિલ્મે આટલા ફિલ્મફેર એવોર્ડ જીત્યા ન હતા. આ ફિલ્મથી સલમાન ખાન અને ભાગ્યશ્રીના કિસ્મત બદલાઈ ગઈ પરંતુ સલમાન ખાનનું નામ જણાવનાર શબાના વિશે ક્યારેય ખબર ન પડી કે તે ક્યાં છે.