PROVED

‘ધ કાશ્મીરી ફાઇલ્સ’ આજના જમાનાની ‘શોલે’ છે. ‘શોલે’ને પણ તે સમયે તેના વિવેચકોએ વખોડી કાઢી હતી. પરંતુ પછી દર્શકોએ હાથોહાથ ઊંચકી હતી.– JASAVANT PANDYA

‘શોલે’માં તે સમયે ગબ્બરસિંહની ક્રૂરતા અને ઠાકુર-જય-વીરુ દ્વારા પ્રતિ હિંસા અતિ લાગી હતી. માત્ર લોહી નહીં, પ્રતીકાત્મક રીતે પણ. ગબ્બર જે રીતે માખીને મારી નાખતો બતાવાયો, તેણે જે રીતે ઠાકુરની સામે બદલો લેવા તેના પરિવારજનોને મારી નાખ્યા, સ્ત્રી-બાળકો બધાંને. જે રીતે તેણે શરત મૂકી કે જબ તક તેરે પૈર ચલેંગે તબ તક ઇસ (વીરુ) કી સાંસે ચલેગી, અને કાચ પર નાચતી બસંતી, જયનું લડતાંલડતાં મૃત્યુ થયું, ઠાકુરની જે વહુને હોળીના રંગો એટલા પ્રિય હતા તે વહુ જયના મૃત્યુ સાથે પરણ્યા વગર બીજી વાર વિધવા થઈ ગઈ….

‘ધ કાશ્મીરી ફાઇલ્સ’માં ત્રાસવાદીઓ દ્વારા આચરાયેલી ક્રૂરતા-અનાજના પીપમાં છુપાયેલા હિન્દુ પતિને, મુસ્લિમ પડોશી દ્વારા જાણ કરાતાં તેને, અફઘાનિસ્તાનમાં રશિયાઈ સૈનિકોને મારવા માટે પાકિસ્તાની મુજાહિદ્દીનોને અપાયેલી પરંતુ તેમાંથી કાશ્મીર જિહાદીઓ માટે સગેવગે કરીને પહોંચાડાયેલી મશીનગનથી ગોળીઓ છોડી તે લોહીભીના ચોખા ખાવા તેની પત્નીને ફરજ પડાય, જે કવિને એમ હતું કે જિહાદીઓ તો મને પોતાનો જ માને છે કારણકે પોતે ઉર્દૂ બોલે છે, આદાબ અર્ઝ હૈનો જવાબ આદાબ અર્ઝ હૈથી આપે છે, મને તો તેઓ મારે જ નહીં ને, પણ જ્યારે કાશ્મીરી હિન્દુઓ ટ્રકમાં ભાગે છે, અને એક સ્ત્રીને પેશાબ લાગે છે પણ પેશાબ કરવા ટ્રક ઊભો રાખી શકાય તેમ નથી, ત્રાસવાદીઓ મારી નાખે, તેથી ટ્રકમાં જ આડશ કરીને જ્યારે સ્ત્રી પેશાબ કરતી હોય છે ત્યારે ઝાડ પર તે કવિની લાશ લટકતી જોઈને એક કાન ફાડી નાખતી ચીસ તેના મોઢામાંથી નીકળે છે-જમ્મુમાં શરણાર્થી શિબિરમાં જીવવા માટેનો કાશ્મીરી હિન્દુઓનો સંઘર્ષ અને રાજકારણીઓની નફ્ફટાઈ-અંતમાં શારદા પંડિતની કરવતથી ટુકડેટુકડા કરીને હત્યા અને બાકીનાની લાઇનબંધ ગોળી મારી હત્યા- શિવ પંડિત નામના બાળકની પણ હત્યા- જોઈને કાચાપોચા હૃદયનાને હાર્ટ એટેક આવી શકે, દિવસોના દિવસો સુધી મનમાં વિચારો ઘૂમરાતા રહી શકે, વ્હાય? શા માટે?

‘ધ કાશ્મીરી ફાઇલ્સ’ એ જાણે કે કન્નડના જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એસ. એલ. ભૈરપ્પા દ્વારા લખાયેલી ડૉક્યુ નૉવેલ ‘આવરણ’નું ફિલ્મ સ્વરૂપ છે જેમાં ડાબેરી ઇતિહાસકારો દ્વારા ટીપુ સુલતાનને સ્વતંત્રતા સેનાની તરીકે ચિતરી મરાયો, દક્ષિણમાં હિન્દુ મંદિરો તોડવામાં આવ્યાં તેની આસપાસ વણાયેલાં અસત્યોનો રહસ્યસ્ફોટ કરાયો અને લવ જિહાદનું કાળું નગ્ન સત્ય રજૂ કરાયું હતું. ‘ધ કાશ્મીરી ફાઇલ્સ’ એ ડૉક્યુ ફીચર ફિલ્મ છે (જે ડૉક્યુમેન્ટ્રી પણ છે અને કૉમર્શિયલ ફીચર ફિલ્મ પણ.)

વિવેક રંજન અગ્નિહોત્રી ડાબેરી આર્ટ ફિલ્મ મેકરોની આર્ટને બરાબર ઘોળીને પી ગયા છે અને એટલે જ તેઓ શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, કેતન મહેતા, બાસુ ચેટર્જી પ્રકારની લાગે (ખાસ તો ‘એક રૂકા હુઆ ફૈસલા’ જેમાં પહેલાં સંપૂર્ણ વિરોધી તર્ક રજૂ કરાય અને પછી ધીમેધીમે સાચો નેરેટિવ રજૂ કરાય) તેવી ફિલ્મ બનાવે છે. તેમની ‘તાશ્કંદ ફાઇલ્સ’ પણ આવી જ હતી. પરંતુ ‘તાશ્કદં ફાઇલ્સ’ સમજાય તેને જ સમજાય. ઘણું બધું અધ્યાહાર કહેવાયું હતું. વિપક્ષના નેતાના મોઢે પણ. તે ફિલ્મમાં મોટા ભાગે એક ઓરડામાં વધુ હતું જ્યારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં તેમણે કાશ્મીરને બતાવ્યું છે. કાશ્મીરની પહાડી પરની ઊંચીનીચી સાંકડી ગલીઓ જેમાં ત્રાસવાદીઓ પીછો કરે કે ‘નારા એ તકબીર અલ્લાહ હૂ અકબર’ બોલતા બોલતા હિંસક થઈને સરઘસ કાઢે ત્યારે ભાગવું ભારે પડી જાય, ૨૦૧૪ પછીનું કાશ્મીર જે શિકારામાં અબ્દુલ સાથે વાત કરતા કરતા બતાવાયું છે તે કાશ્મીર. જેએનયુનું એમ્ફીથિયેટર. આ બધાં દૃશ્યોમાં કરુણતા કે બીભત્સતાને ઓર ઘાટું બનાવતું બેકગ્રાઉન્ડ સંગીત.

કલાકારોનો અપ્રતિમ અભિનય

અનુપમ ખેરની ‘સારાંશ’ પહેલી ફિલ્મ હતી. તેમાં તેમણે અદ્ભુત અભિનય કર્યો હતો. વચ્ચે અનેક ફિલ્મોમાં તેમણે પોતાના અભિનયનું કૌશલ્ય બતાવ્યું પણ આ ફિલ્મમાં પુષ્કરનાથ પંડિતના પાત્રમાં તેમણે જીવ રેડી દીધો છે. આત્મા નિચોવી દીધો છે. એ પુષ્કરનાથ પંડિત જે શિવભક્ત છે, જે પોતાની સામે પોતાના જુવાનજોધ દીકરાને મરતો જુએ છે, પોતાની સગી આંખે પોતાની પુત્રવધૂને પોતાના દીકરાના લોહીભીના ચોખા ખાતી જુએ છે જેથી પોતાને અને પોતાના પૌત્રોને ત્રાસવાદીઓ જીવતા છોડી દે, પોતાના આટલા ઊંચા ગજાના મિત્રો- આઈએએસ અધિકારી બ્રહ્મદત્ત, ડીજીપી હરિ અને ડૉ. મહેશ જેની સાથે પત્તાં રમવાના સંબંધો છે, તેઓ હોવા છતાં પોતે નિઃસહાય થઈ જાય છે, પોતાને શાકભાજી લેવા માટે છૂટા પૈસામાં ગાંધીના બદલે ઝીણાની તસવીરવાળી નૉટ મળે છે, જેને પહેરેલા કપડે શ્રીનગરથી ભાગવું પડે છે અને તે તેના પૌત્ર કૃષ્ણ પંડિતને કહેતો નથી કે તેનાં માતાપિતા કેવી રીતે મર્યાં કારણકે તે ઈચ્છે છે કે તે કોઈ ભૂતકાળની કોઈ પીડા વગર આગળ વધે, સારું ભણે અને દિલ્લીની ખ્યાતિપ્રાપ્ત જેએનયુમાં તેનું ઍડ્મિશન કરાવે છે અને આ દરમિયાન જમ્મુના શરણાર્થી કેમ્પમાં તે ભારે પીડા સાથે રહે છે, પોતાના ગૃહનગર (વતન, યૂ નૉ)ને ગુમાવવાની પીડા, તે ગૃહનગરમાં એક સમયે પાછા જવાની આશા, હાંડલા કુશ્તી કરતા હોય તેમ માતા બાળકને પૂરતું જમવાનું ન આપી શકે અને પોતે એક સમયનું જમવાનું છોડી દે, ડાયાબિટીસ વગેરેના કારણે પોતે ભારે માંહ્યલો લેન્સ ન મૂકાવે, ભલે તેનાથી આંખ ચાલી જાય, અને જ્યારે કેમ્પની બહાર નીકળે ત્યારે એક બીજા કાશ્મીરી પંડિતના મુખેથી ગવાતી, આંખમાં આંસુ લાવી દે તેવી કવિતા….અને એક દિવસ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટશે તેવો આશાવાદ, તે માટે વડા પ્રધાનને (અલગ-અલગ સરકારના અલગ-અલગ વડા પ્રધાનને) તેમના દ્વારા લખાતો પત્ર, પોતાની સામે જમ્મુ શરણાર્થી શિબિરમાં પંડિતોને બહાર કાઢી ત્રાસવાદીઓ દ્વારા મારી નખાવા….

અને એ જ પૌત્ર જ્યારે જેએનયુમાંથી બ્રેઇનવૉશ્ડ થઈને કાશ્મીરની આઝાદીનાં સૂત્રો પોકારવાના સમાચાર સાથે છાપામાં છપાયા બાદ સ્વગૃહે પરત ફરે ત્યારે તેની સાથે પોતાનું હૈયું વલોવવું અને સમજાવવાનો પ્રયત્ન….મૃત્યુ સમયનો વિલાપ અને છતાં આશા કે પૌત્રને કહેવું જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે આપણા ઘરમાં મારા અસ્થિ પધરાવજે, સ્કૂટર, બારીના કાચ વગેરે રિપેર કરાવજે….

પલ્વવી જોશી તો સારાં અભિનેત્રી છે જ. ‘તહલકા’ ફિલ્મ બહુ ઓછાને યાદ હશે. તેમાં પણ પોતે એક પહેલાં બાળકોમાં દેશભક્તિ અને સેનાના સંસ્કાર રેડતી આયા અને પછી જાસૂસ સાબિત થતી અને એટલે પ્રેમિકા હોવા છતાં ભારતના જ, પણ બહારથી આવેલા નસીરુદ્દીન શાહ દ્વારા મારી નખાવી, તે ખૂબ ઉત્તમ ભૂમિકા હતી. ‘તાશ્કંદ ફાઇલ્સ’માં પણ પોતાની વિચારધારાથી વિરુદ્ધની વ્યક્તિ ડાબેરી ઇતિહાસકાર રોમિલા થાપરની ભૂમિકા ભજવવી અને આ ફિલ્મ તો…ભગવાન! સાચા પાત્ર નિવેદિતા મેનન પરથી ડાબેરી પ્રાધ્યાપક રાધિકા મેનનનું પાત્ર એટલી અદ્ભુત રીતે ભજવ્યું છે અને તેના મોઢે સંવાદ પણ એવા મૂકાયા છે કે ઘડીભર જે સાચી વાત ન જાણતા હોય તેવા લોકો તેની વાત સાચી માની લેવા પ્રેરાય. અને એટલે એવું લાગે કે વિવેક રંજન અગ્નિહોત્રીએ આ ફિલ્મ કાશ્મીરી પંડિતના દૃષ્ટિકોણથી નથી બનાવી, પણ બેલેન્સ કરવા રાધિકા મેનનનો એંગલ પણ એટલો અદ્ભુત ઉમેર્યો છે.

મનને હચમચાવી મૂકે તેવા સંવાદો

મિથુન ચક્રવર્તી (બ્રહ્મદત્ત), અતુલ શ્રીવાસ્તવ (વિષ્ણુરામ), પુનિત ઇસ્સાર (ડીજીપી હરિ નારાયણ) પ્રકાશ બેલાવડી (ડૉ. મહેશ), ચિન્મય માંડલેકર (ફારુક મલિક બિટ્ટા), મૃણાલ કુલકર્ણી (લક્ષ્મી દત્ત), ભાષા સુમ્બલી (શારદા પંડિત), દર્શન કુમાર (કૃષ્ણ પંડિત), શિવ પંડિત અને કૃષ્ણ પંડિત બનતાં બાળ કલાકારો…’શોલે’ની જેમ એકેય પાત્ર નબળું નથી પડવા દીધું એકેય કલાકારોએ. અને એકેય પાત્ર નબળું નથી પડવા દીધું કથા લેખક અને દિગ્દર્શકે. આના માટે વિવેક રંજન અગ્નિહોત્રી ઉપરાંત સૌરભ એમ. પાંડેને પણ યશ મળવો જોઈએ. ‘કશ્મીર કો લોગ જન્નત માનતે હૈ, વો હી લોગ ઉસ કો જહન્નુમ બના રહે હૈ ઔર વો જહન્નુમ ઇસ લિયે બના રહે હૈ કિ ઉન કો મરને કે બાદ જન્નત મિલે,’ ‘ફેક ન્યૂઝ દિખાના ઇતના ખતરનાક નહીં હૈ જિતના સહી ન્યૂઝ છુપાના…’, ‘એક બાર ઇન સે મિલ લો, સારા ઇકૉ સિસ્ટમ તુમ્હારે સપૉર્ટ મેં આ જાયેગા’, ‘ગવર્મેન્ટ ભલે હી ઉન કી હો, સિસ્ટમ તો હમારા હૈ’, ‘કભી કિસી કો જલતે હુએ દેખા હૈ? ઉસ કે બદન સે લાલ ખૂન નહીં, પસ નીકલતા હૈ, પસ, સફેદ પસ. ચારો તરફ એક સન્નાટા ઔર ઉસ સન્નાટે મેં આઝાદી કે નારે લગાતે હુએ, જશન મનાતે હુએ કુછ જલ્લાદ, ઐસા ખૌફ દેખા હૈ તુમને? નહીં દેખા. હમને દેખા હૈ’ ‘કશ્મીર ઇઝ ક્રેડલ ઑફ સિવિલાઇઝેશન’, ‘જિનકા નૉલેજ પર કબજા વો પૂરે વર્લ્ડ પર રૂલ કર સકતા હૈ’, ‘કશ્મીર કા સચ ઇતના સચ હૈ કિ હમેં ઝૂઠ હી લગતા હૈ’ સંવાદો તમારા મનને હચમચાવી મૂકે છે.

આજનો કન્ફ્યૂઝ્ડ યૂથ

દર્શનકુમાર આજના ગૂંચવાયેલા યુવાનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે. તમારી આજુબાજુ નજર કરશો તો આજે માત્ર દિલ્લીમાં નહીં, ગુજરાત સહિત ભારતભરમાં આવા યુવાનો જોવા મળશે. શાળામાં આજે ગુજરાતમાં પણ મકરસંક્રાંતિ, હોળી, દિવાળી વિરુદ્ધ શિક્ષકો દ્વારા બ્રેઇનફીડિંગ (સ્તનપાન પરથી સૂજેલો શબ્દ) કરાવાય છે. સાચો ઇતિહાસ તો પાઠ્યક્રમમાં છે જ નહીં, પરંતુ આપણી વખતે શિક્ષકો આઉટ ઑફ સિલેબસ સાચા ઇતિહાસની ઘણી વાતો કરતા હતા. આજે શિક્ષકને આવો રસ જ નથી. અને પહેલાં તો પોતાને ખબર હોવી જોઈએ ને.

આજનાં માબાપને પણ આવો કોઈ રસ નથી. નાનપણથી તે નાચે-ગાય, સ્કેટિંગ શીખે, કરાટે શીખે, બેડમિન્ટન રમે, ટેનિસ રમે, ચિત્ર દોરતાં શીખે- તે બધા માટે પ્રોત્સાહિત કરાય છે. મેડિકલ-એન્જિનિયરિંગ માટે તો બધાં માબાપની ઈચ્છા હોય જ છે. અને આ બધું કરીને વિદેશ મોકલી દો. વિદેશ ન જઈ શકે તો અહીં કમાણી કરતું મશીન બનાવી દો. બસ, ખામી રહી જાય તો હિન્દુત્વ-દેશપ્રેમની. આપણે રાહુલ ગાંધીની પૂજા કરતા ન આવડવા માટે ટીકા કરીએ પણ ઘણાં બાળકો જ નહીં, યુવાનોને પણ ખબર નથી હોતી, આચમની કેવી રીતે લેવાય, પ્રસાદ કયા હાથે લેવાય. એ બધું તો છોડો, પગે લાગવાની સાચી રીત માટે પણ માબાપ ક્યાં ટોકે છે? ઘરમાં કોઈ મહેમાન આવે તો બાળક ગમે ત્યાં હોય તેને બોલાવીને બધાની સાથે પરિચય કરાવવાનો, નમસ્તે કરવાનું, પગે લાગવાનું, થોડો પરિચય કરાવવાનો, આ બધું ક્યાં રહ્યું છે? આજે તો તમે કોઈના ઘરે જાવ, ત્યારે બાળક પોતાની મસ્તીમાં અંદર મોબાઇલ મચડતું હશે કે ટીવીમાં કાર્ટૂન જોતું હશે.

પોણા ત્રણ કલાકમાં છ સદીનો ઇતિહાસ

વિવેક રંજન અગ્નિહોત્રીએ ફિલ્મમાં એટલી બધી વાતો ભરીભરીને મૂકી છે કે આ ફિલ્મ દરેક સાચા ભારતીયએ ઓછામાં ઓછી દસ વાર જોવી પડશે ત્યારે આખી સમજાશે. ૧૯૯૦ની વાત, કાશ્મીરમાં કશ્યપથી લઈને મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા અત્યાચારની વાત, ૧૯૯૦માં કાશ્મીરી હિન્દુઓનું પલાયન તો સાતમી વારનું પલાયન (exodus) હતું, ફારુક અબ્દુલ્લા ગોલ્ફ રમ્યા રાખતા, શબાના આઝમીને બાઇક પર બેસાડી ફર્યા રાખતા, બ્રહ્મદત્તનું પાત્ર એ રાજ્યપાલ જગમોહનનું પાત્ર છે, ફારુક મલિકનું પાત્ર યાસીન મલિક અને બિટ્ટા કરાતનું મિશ્રણ છે, ક્રિકેટમાં પણ પંથને ઘૂસાડાતો તે તો ફિલ્મનું પ્રારંભનું જ દૃશ્ય બતાવે છે (અને જ્યારે ત્રાસવાદી હુમલા થાય ત્યારે જો હિન્દુવાદીઓ પાકિસ્તાન સાથે મેચ રમવા કે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવા માગણી કરે તો સેક્યુલર હિન્દુઓ અને મુસ્લિમો જ વિરોધ કરતા કે કલા અને ખેલમાં પંથને ન ઘૂસાડો.), મુસ્લિમ પડોશી દ્વારા હિન્દુ પડોશી ક્યાં છુપાયો છે તેની બાતમી આપી દેવી, નર્સને મારી દેવી, આ બધી સત્ય ઘટનાઓ છે. અને ૧૯૯૦ સાથે ૨૦૧૬માં જેએનયુમાં સામ્યવાદી વિદ્યાર્થી સંગઠન -જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન (જેએનયુએસયુ)એ અફઝલ ગુરુની ફાંસીના દિવસે- અફઝલ ગુરુની પુણ્યતિથિ (!) મનાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો, તેમાં ભારત તેરે ટુકડે હોંગે, હમ લે કે રહેંગે આઝાદી વગેરે સૂત્રો પોકારાયાં હતાં તેને સામ્યવાદી જેવા લાલ ઝંડાઓ અને દીવાલ પર લગાવાયેલા માઓ ઝેદોંગના પૉસ્ટર સાથે કુશળતાથી બતાવ્યું છે. કૃષ્ણ પંડિતમાં ખરેખર તો કન્હૈયાકુમારની છાયા છે. કન્હૈયાકુમાર જેવા અનેક યુવાનોની તકલીફ એ છે કે જ્યારે એ જેએનયુ જેવી સંસ્થામાં પ્રવેશે છે ત્યારે એને રાધિકા મેનન જેવાં પ્રાધ્યાપકો ભટકાય છે. રાધિકા મેનનનું પાત્ર પણ સાચું પાત્ર છે. નિવેદિતા મેનને આવું જ કહ્યું હતું કે ભારતે ગેરકાયદે રીતે કાશ્મીર પર કબજો રાખેલો છે. કઈ રીતે ચૂંટણી જીતવી, કઈ રીતે નેરેટિવ સેટ કરવો તે રાધિકા મેનન કૃષ્ણ પંડિતને સારી રીતે સમજાવે છે. તેના પોતાના ત્રાસવાદીઓ સાથેના સંપર્કો, કૃષ્ણ પંડિત પોતે પંડિત છે અને તે જ જો વાત કરે કે ૨૦૧૯માં કલમ ૩૭૦ હટ્યા પછી ત્યાં ભારત સરકાર કેવી રીતે દમન કરે છે તો લોકોને ગળે ઉતરે, દુનિયા સમક્ષ નેરેટિવ જાય કે Kashmir is under attack.

અને છેલ્લે દર્શનકુમાર જે એકાકી સંવાદ (મૉનૉલૉગ) બોલે છે તેમાં કાશ્મીર કશ્યપ ઋષિથી લઈને અત્યાર સુધી કેટકેટલા આક્રમણોમાંથી પસાર થયું તે ઇતિહાસ, કાશ્મીર વિદ્વાનો અને સંશોધકોનું કેન્દ્ર, અધ્યાત્મનું કેન્દ્ર હતું તે વાત સુંદર રીતે કહેવાઈ છે. શૈખ અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા બંને દિલ્લીમાં હોય ત્યારે રાષ્ટ્રવાદી બની જતા, જમ્મુ આવે ત્યારે કમ્યૂનિસ્ટ (સામ્યવાદી) અને કાશ્મીર આવે ત્યારે કમ્યૂનાલિસ્ટ (સાંપ્રદાયિક) બની જતા તે વાત પણ સારી રીતે કહેવાઈ છે. મિડિયામાં કાશ્મીરી ત્રાસવાદીઓને બળવાખોરો કહેવાતા હતા તે વાત હિંમતપૂર્વક કહેવાઈ છે. પરંતુ સ્વાભાવિક છે એ મિડિયા ‘કાશ્મીરી ફાઇલ્સ’નો બહિષ્કાર જ કરે ને. (એ ન કહ્યું હોત તો પણ કરવાનું જ હતું.) બાળ ઠાકરેએ મહારાષ્ટ્રમાં કાશ્મીરી પંડિતો માટે મેડિકલ કૉલેજમાં સ્પેશિયલ ક્વૉટા મંજૂર કરાવ્યો હતો. પરંતુ સમગ્ર ભારતમાં કેમ તે ન થયું? મદરેસામાં કાશ્મીરને ભારતથી અલગ દેશ હોવાનું જે ભણાવાય છે તે બતાવાયું. કાશ્મીરી મુસ્લિમ યુવકો પર બહુ જ દમન થયું, અત્યાચારો થયા એટલે તેઓ આતંકવાદી બન્યા તેમ રાધિકા કહે છે પણ બ્રહ્મ દત્ત કહે છે કે તો પછી કોઈ કાશ્મીરી પંડિતે કેમ બંદૂક ન ઉપાડી? પહેલી વાર કોઈ ફિલ્મે હિંમત કરી છે કે મસ્જિદ અને તેના મૌલવીઓની ભૂંડી ભૂમિકાને દેખાડી છે. ‘શોલે’ (ઈમામ સાહેબ- ઇતના સન્નાટા ક્યોં હૈ મેરે ભાઈ?) અને ‘કાશ્મીર ફાઇલ્સ’ વચ્ચે આ મોટો ફરક છે. વિવેક રંજન અગ્નિહોત્રીએ તો આ ફિલ્મમાં ૨૦૧૯માં દિલ્લીના શાહીનબાગ વિસ્તારમાં સીએએ વિરોધી ધરણામાં ગવાતી ‘હમ દેખેંગે લાઝિમ હૈ કિ હમ દેખેંગે’ નઝ્મ પણ બતાવી દીધી. એક ફિલ્મમાં કેટલું બધું ભરી દીધું! (નોંધ: ફૈઝ અહમદ ફૈઝે આ નઝ્મ ત્યારે લખી હતી જ્યારે પાકિસ્તાનમાં મુસ્લિમ સ્ત્રીઓને સાડી પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો પરંતુ તમે જુઓ કે ડાબેરીઓ અને મોગલ પ્રેમીઓએ આ કવિતાનો ઉપયોગ ભારતમાં શાહીનબાગમાં કરીને અર્થ કેવો બદલી નાખ્યો. આવું બધું કરતાં તેમને સારી રીતે આવડે. જાવેદ અખ્તરે પણ જાણે આ સરકારમાં ખૂબ અત્યાચારો થતા હોય તેમ કવિતા ‘હુક્મનામા’ ઢસડી મારી હતી: કિસી કા હુક્મ હૈ, સારી હવાયેં હંમેશા ચલને સે પેહલે બતાયેં કી ઉનકી સમ્ત ક્યા હૈ).

ઉખાડી ફેંકાયેલ શિવલિંગ, કૃષ્ણ પંડિત વિડિયો ઉતારે છે ત્યારે નિર્દોષ તરીકે રજૂ થતો મુસ્લિમ બાળક, આંતરરાષ્ટ્રીય મિડિયાને ત્યાં જ લઈ જવામાં આવે જ્યાં કાશ્મીરી પર અત્યાચાર દેખાડી શકાય, કૃષ્ણ પંડિતની સાથે મુલાકાતમાં ફારુક મલિક (યાસીન મલિક)ના મોઢે કહેવડાવાયેલી કેટલીક વાતો, તુમ્હારે દો વઝીરએ આઝમ થે નહેરુ ઔર અટલ બિહારી…ઉન્હેં ભૂખ થી કિ લોગ ઉનસે મોહબ્બત કરે…આ અર્ધસત્ય છે. અટલબિહારી વાજપેયી પાસે મોદી જેવી બહુમતી નહોતી. મોરચા સરકાર હતી. કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ છે એટલે ખૂબ અત્યાચાર થાય છે અને આ સરકાર કહે છે ‘સબ ચંગા સી’. કાશ્મીરમાં માત્ર હિન્દુઓને નહીં, સારા મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ બધાને મારી નાખ્યા. થિયેટર, સંગીત, સાહિત્ય પર પ્રતિબંધ મૂકી દેવાયો. શું આ કલ્ચરલ જેનોસાઇડ નથી? અનેક મંદિરોને ૧૯૯૦ પછી તોડવામાં આવ્યા. તેમને આગ લગાડી દેવાઈ. જેમણે ભારતીય સૈનિકોને જાહેરમાં માર્યા તેને ટોચની (વડા પ્રધાન મનમોહનસિંહ) ઑફિસમાં મળવા આમંત્રણ અપાય છે. શું આ ઍડ્મિનિસ્ટ્રેટિવ જેનોસાઇડ નથી?

છતાં હજુ ઘણું નથી કહેવાયું!

આટલું બધું કહેવાયું છે પણ જે નથી કહેવાયું તે પણ ઘણું બધું છે. કૃષ્ણ પંડિત સાથે પછી શું થયું હશે? કલ્પના કરો. શું તેને પાસ થવા દેવાયો હશે? આજે પણ તમારે અમુક વિષયોમાં પીએચડી કરવું હોય તો નથી કરી શકાતું. છાપામાં લેખો લખવા હોય તો નથી લખી શકાતા. ફિલ્મ બનાવવી હોય તો લોઢાના ચણા ચાવવા જેવું છે. શારદા પંડિત દ્વારા એક ઈશારો કરાયો પણ નથી બતાવાયું તે એ છે કે મૂળ પાત્ર ગિરજા ટિકૂ પર બળાત્કાર કરી પછી કરવત વડે તેના શરીરના ટુકડે-ટુકડા કરી દેવાયા હતા. કાશ્મીર ૧૯૪૭ પછી તો ભારત પાસે હતું. ૧૯૪૭થી આજે પણ કાશ્મીરમાં આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. ૧૯૪૭થી શૈખ અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લાએ બાપદાદાની પેઢી હોય તેમ ત્યાં રાજ કર્યું. આ બધી ભૂલ કોની? નહેરુ, ઈન્દિરા અને રાજીવ ગાંધીની. આ વાત કહેવાઈ નથી. એ વાત પણ નથી કહેવાઈ કે ૧૯૯૨માં મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદીએ કન્યાકુમારીથી કાશ્મીર યાત્રા કાઢી કાશ્મીર મુદ્દે સમગ્ર ભારતને સચેત કર્યું અને શ્રીનગરમાં આતંકવાદીઓની ધમકી વચ્ચે લાલ ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તે છે. આ દૃશ્ય બતાવાયું હોત તો કદાચ મોદીની ફિલ્મ હોવાનો થપ્પો લાગત. એ તો એમ પણ લાગ્યો જ છે. એનડીટીવીએ ફિલ્મ જોયા વગર તેને પ્રોપેગેન્ડા (પ્રચારાત્મક) ફિલ્મ ગણાવી દીધી હતી.

ફિલ્મી ઇકૉ સિસ્ટમ, મિડિયાની બદમાશી, કાનૂની દાવપેચ !

વિવેક રંજન અગ્નિહોત્રીએ બહુ હિંમતપૂર્વક ફિલ્મ બનાવી છે. ફિલ્મ સમુદાયમાં રહીને આવી ફિલ્મ બનાવવી એટલે સમુદ્રમાં રહીને મગરમચ્છો સાથે વેર બાંધવું. જેએનયુ અને પ્રોફેસર રાધિકા મેનન જેવાં પાત્રો બતાવવાં એ પણ આખી ઇકૉ સિસ્ટમ સાથે વેર બાંધવા જેવું છે. હિન્દી ફિલ્મ જગતમાંથી અમિતાભ બચ્ચન, ચારેય ખાનો, જોન અબ્રાહમ, અરશદ વારસી, રણબીર કપૂર, રણવીરસિંહ, કાર્તિક આર્યન, વરુણ ધવન, અનિલ કપૂર, અર્જુન કપૂર, વિકી કૌશલ, માધુરી દીક્ષિત, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, જેક્વેલીન ફર્નાન્ડિઝ, દીપિકા પદુકોણ, કેટરીના કૈફ, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, સારા અલી ખાન, કરણ જૌહર, એકતા કપૂર, ઇવન! ભાજપની ટિકિટ પર સાંસદ બનેલા પરેશ રાવલ વગેરે આખો સમુદાય આ ફિલ્મ મુદ્દે ચૂપ છે. એક સમયે જેમની ફિલ્મ ૐ સાથે શરૂ થતી અને ‘રામ લખન’, ‘કર્મા’ જેવી ફિલ્મ બનાવેલી તેવા સુભાષ ઘઈને તો સંઘના ચિત્રભારતીના કાર્યક્રમમાં બોલાવાય છે અને તેઓ આવે પણ છે, પરંતુ તેઓ પણ ચૂપ છે. તેમની ફિલ્મમાં અનુપમ ખેર સદૈવ રહ્યા છે. અનુપમ ખેર, અનિલ કપૂર અને સતીશ કૌશિક એ ત્રિપુટીની મિત્રતા જગજાહેર છે. પરંતુ આ મિત્રતા આ ફિલ્મની પ્રશંસા કરવામાં આડે આવી છે.

અંગ્રેજી, હિન્દી, પ્રાદેશિક ભાષાઓમાં ગોસિપ કૉલમમાં ક્યાંય આ ફિલ્મની કોઈ ગૉસિપ પણ નથી. રિવ્યૂ તો ન જ હોય. પરંતુ આ આજનું નથી. ‘બાહુબલી’ વખતે પણ આ જ વાત હતી. ‘પ્રેમ રતન ધન પાયો’માં તો આવું કંઈ નહોતું, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમની વાત હતી તો પણ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની શ્વેતા કૌશલ નામની ફિલ્મ રિવ્યૂ લખનારે તેનું હેડિંગ આપ્યું હતું- સોનમ્સ સંસ્કારી ઑર્ગેઝમ ઍન્ડ બીઇંગ ટૉલરન્ટ! જ્યારે રાજકુમાર ( સલમાન ખાન) તેની સાવકી બહેનોને મનાવી લે છે ત્યારે શીર્ષક ગીત પહેલાં સોનમ કપૂર આનંદની મારી દોડે છે. તેને આ ચિબાવલી ‘સંસ્કારી ઑર્ગેઝમ’ નામ આપે છે! (ઑર્ગેઝમનો અર્થ સમજાવવાની આવશ્યકતા નથી.) આ ફિલ્મ વિશે ગુજરાતમાં પણ આરજે લોકોએ નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો, પરંતુ જનતાએ તેને હિટ બનાવી તેમને જવાબ આપી દીધો હતો. આ ફિલ્મ પછી એકતા કપૂરની લગભગ ટ્રિપલ એક્સ પ્રકારની ફિલ્મ ‘ક્યા કૂલ હૈ હમ ૩’માં સૂરજ બડજાત્યા પરથી સૂર્યા કડજાત્યા પાત્ર લેવામાં આવ્યું હતું અને આ બધાં પાત્રોને અત્યંત શરમજનક રીતે છિછરા બતાવવામાં આવ્યા હતા અને સંસ્કારની મજાક ઉડાવવામાં આવી હતી. આવી મજાક ક્યારેય ‘તહઝીબ’ કે ‘વેસ્ટર્ન મેનર્સ’ની ઉડાવવાની હિંમત કોઈની થઈ નથી. પણ એ જ એકતા કપૂર અને કરણ જૌહરને સ્મૃતિ ઈરાની સાથેની નિકટતાના કારણે પદ્મશ્રી મળે છે અને એ જ ઇકૉ સિસ્ટમ આગળ કંગના રનૌતને પણ ઝુકવું પડે છે અને હિન્દુ ભગવાનની મજાક ઉડાવનાર મુન્નવર ફારુકીની સાથે ‘લોક અપ’માં કામ કરવું પડે છે!

એટલે ફિલ્મમાં રાધિકા મેનન કહે છે તે વાત સાચી છે- ગવર્મેન્ટ ભલે હી ઉનકી હો, સિસ્ટમ તો હમારી હી હૈ! હિન્દુવાદીઓ પણ પ્રખ્યાત થઈને એ ઇકૉ સિસ્ટમના વહાલા થવા ઝંખે છે. એટલે લતા મંગેશકરના પિતાજીના નામનો એવૉર્ડ મોહન ભાગવતના હસ્તે અસહિષ્ણુતાની વાત કરનાર આમીર ખાનને અપાય છે. તો મોરારી બાપુથી લઈને જગ્ગી વાસુદેવ પહેલાં હિન્દુઓને વશીભૂત કરે છે. એમાં કોઈ શંકા નથી કે શરૂઆતમાં તેઓ આ ઇકૉ સિસ્ટમ સામે લડે પણ છે પરંતુ પછી થાકી-હારીને અથવા તો તેમને લાગે છે કે હવે આ હિન્દુઓ તો આપણા જ છે એટલે લિબરલો-સેક્યુલરોને સારું લાગે તેવું બોલો-ગાવ-નાચો.

વિવેક રંજન અગ્નિહોત્રીને ફિલ્મ બનાવવા અને રજૂ કરવામાં આંખે પાણી આવી ગયા હશે. મહેનતની રીતે અને આ ફિલ્મ બનાવવાની પ્રક્રિયા-પ્રિવ્યૂ બતાવવાની પ્રક્રિયામાં લોકોની લાગણી જોઈને! આ લેખકે પણ વર્ષ ૨૦૧૫માં જ્યારે મહેબૂબા મુફ્તિ-ભાજપની સરકાર દ્વારા પંડિતોના પુનર્વસનની વાત ચાલી હતી ત્યારે ‘મુંબઈ સમાચાર’ની ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં દોઢ વર્ષ સળંગ કાશ્મીર પર કશ્યપથી લઈને ૧૯૯૦ સુધીના બનાવોને વિગતવાર આલેખતી શ્રેણી લખી હતી અને આ ફિલ્મમાં નહીં સમાવી શકાયેલા (સ્વાભાવિક છે પોણા ત્રણ કલાકમાં ન જ સમાવી શકાય) અનેક પાસાં સમાવ્યાં હતાં તે વખતે તો દરેક એપિસૉડ લખતી વખતે હૈયું વલોવાઈ જતું હતું, ડુમો ભરાઈ આવતો હતો. ફિલ્મને રજૂ ન થવા દેવામાં કેટ-કેટલી અડચણો નખાઈ? કૉર્ટ કેસ, ઓછાં થિયેટર મળવાં, તેમાં વળી ઓછાં સ્ક્રીન મળવા. ‘કપિલ શર્મા શૉ’માં પ્રમૉશન માટે ના પાડવી, એમ કહીને કે આ ફિલ્મમાં મોટી સ્ટારકાસ્ટ નથી. કપિલ શર્મા શૉનો નિર્માતા સલમાન ખાન છે તે ન ભૂલવું જોઈએ. તેને કહેવું જોઈએ કે ઈમરાન હાશ્મી, પ્રાચી દેસાઈ, કનિકા કપૂર, રિકું રાજગુરુ, આકાશ થોસર, નાગરાજ મંજુલે, ગૌહર ખાન, નરગિસ ફખ્રી, હઝેલ કીચ, જેનિફર વિંગેટ, કુશલ ટંડન, સન્ની લિયોની, તેનો પતિ ડેનિયલ વેબેર, એક ગીતથી ચમકનાર જસબીર જસ્સી, વિદ્યુત જામવાલ, ધ્વનિ ભાનુશાળી, ગુરુ રંધાવા, હાર્દી સંધુ, લિઝા મિશ્ર, નોરા ફતેહી, તોશી સબ્રી, શારીબ સબ્રી, આ બધાં ક્યાં મોટી સ્ટારકાસ્ટ છે? અને આમાંથી ગુરુ રંધાવા, જસબીર જસ્સી, સહિત અનેક લોકો વારંવાર આવ્યાં છે. માત્ર એટલે કે તેઓ પંજાબી છે અથવા ફિલ્મોદ્યોગમાં તેમની સાથે ઇકૉ સિસ્ટમ ઊભી છે. આ ફિલ્મ, ફિલ્મ દિગ્દર્શક, કલાકારો ને ફિલ્મફેર, સ્ક્રીન, આઈફા, ઝી, અને સરકારી -રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાંથી કેટલા પુરસ્કાર મળે છે તે પણ કલ્પના કરી શકાય છે.

હજુ અડચણોનો અંત નથી આવ્યો, મુંબઈ-ગુજરાતમાં થિયેટર માલિકોની બદમાશી

આટલાથી કંઈ વિવેકની પરીક્ષા પૂરી નથી થઈ. સૉશિયલ મિડિયા પર હિન્દુઓના પ્રચારથી ફિલ્મ જોવા લોકો ઉમટવા લાગ્યા, શૉ પણ થિયેટર માલિકોએ વધારવા પડ્યા, તો આ ઇકૉ સિસ્ટમે નવી બદમાશી કરી. (આ ઇકૉ સિસ્ટમ પાસે દર વખતે નવી બદમાશી આવી જાય છે.) હવે તેઓ થિયેટરમાં ફિલ્મનો અવાજ બંધ કરવા લાગ્યા. મુંબઈમાં ભીવંડી જેવા મુસ્લિમ બહુલ વિસ્તારમાં પીવીઆર થિયેટરમાં ‘કાશ્મીર ફાઇલ્સ’ દરમિયાન અવાજ બંધ કરી દેવામાં આવે છે. ક્યાંક શૉના ટાઇમિંગ વારેઘડીએ બદલી નખાય છે. ગુજરાતમાં વડોદરા અને નવસારી (જ્યાંથી ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાંસદ છે ત્યાં આ સ્થિતિ છે!)માં ફિલ્મ રજૂ ન થતા ચાહકોએ હોબાળો મચાવ્યો હતો. નવસારીમાં રાજહંસ થિયેટરની ટિકિટ ઑનલાઇન નહોતી મળતી. ફિલ્મનું પૉસ્ટર પણ પ્રદર્શનમાં મૂકાયું નહોતું. સાંજનો સાત વાગ્યાનો શૉ શરૂ કરાયો નહોતો. વડોદરામાં થિયેટરમાં ફિલ્મ ખાલી ત્રીસ મિનિટ ચલાવી બંધ કરી દેવાઈ હતી. ગુજરાતમાં સત્યાવીસ વર્ષથી ભાજપનું શાસન છે. અહીં એક સમય એવો પણ હતો કે આમીર ખાનની ‘ફના’ રજૂ નહોતી કરી શકાઈ, અને સલમાન ખાનની ‘મૈને પ્યાર ક્યોં કિયા’ના શૉ હિન્દુવાદી કાર્યકર્તાઓએ બંધ કરાવ્યા હતા. આ એ જ ગુજરાત છે જ્યાં ‘કાશ્મીર ફાઇલ્સ’ વિવિધ બહાના હેઠળ પૂરેપૂરી નથી બતાવાઈ રહી! અને એટલે જ રાજકીય પરિવર્તન જ અગત્યનું નથી. આજે ભાજપના ઘણા લોકો જ આ નેરેટિવ ભૂલી ગયા છે. ગુજરાતમાં ભાજપના કેટલા નેતાઓએ અત્યાર સુધી ‘કાશ્મીર ફાઇલ્સ’ને પ્રમૉટ કરી? પોતે જોવા ગયા હોય તેવા ફૉટા સૉશિયલ મિડિયા પર મૂક્યા? એ વાત જુદી છે કે હિન્દુવાદીઓએ કરમુક્ત કરવા માગણી કરી તે પછી તેને સરકારે કરમુક્ત કરી પરંતુ મારે જે વાત કહેવી છે તે એ છે કે અહીં ૩૭૦, રામમંદિર, કાશ્મીર, લવ જિહાદ, લેન્ડજિહાદ એ બધું ભૂલાઈ ગયું છે. મોદીના નામે ભાજપના પથરા તરી તો જશે પણ વૈચારિક રીતે ભાજપમાં અને બીજા પક્ષોમાં કોઈ ફરક નહીં હોય કારણકે વીર સાવરકરને કાયર કહેનારાઓ ભાજપ સરકાર દ્વારા પોંખાય છે. બાહુબલી અને કાશ્મીર ફાઇલ્સ વિશે એક શબ્દ નહીં બોલનારાઓ ભાજપના પ્રિય સેલિબ્રિટીઓ છે. સેન્ટ મેરી સ્કૂલમાં બાળકો દ્વારા ‘જય શ્રી રામ’ બોલવામાં આવ્યું તો વાલીઓ પાસે ક્ષમાપત્ર લખાવાયો. અને આ ઘટના કોઈ પશ્ચિમ બંગાળની નથી! આ ઘટના વાપીના ચણોદ ગામની છે. આજથી ચાર વર્ષ પહેલાં ક્વિન ઑફ એન્જેલમાં શાળા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગૌરી વ્રત દરમિયાન મહેંદી હાથમાંથી ન જાય ત્યાં સુધી શાળામાં ન આવવું. આ ઘટના કંઈ કાશ્મીરની નથી. આ ઘટના ભરૂચની હતી! એટલે રાધિકા મેનનની વાત સાચી છે – ગવર્મેન્ટ ઉનકી હૈ, લેકિન સિસ્ટમ હમારી હૈ. અને ગુજરાતમાં પણ ઘણા જેન્ટ્સ રાધિકા મેનન છે અને લેડી રાધિકા મેનન પણ છે. જરા આજુબાજુ નજર દોડાવશો તો દેખાઈ જશે. એ વાત અલગ છે કે હજુ જેએનયૂ જેવો કાંડ બહાર નથી આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *