majdhar story

બોલિવૂડમાં એવી ઘણી રસપ્રદ કહાનો અને અનોખી પ્રેમ કથાઓ જોવા મળે છે, જે વર્ષો સુધી યાદ રહે છે. જ્યારે કેટલાક સ્ટાર્સ એવા છે જેઓ પહેલી નજરમાં પ્રેમમાં પડી ગયા હતા, જ્યારે કેટલાક એવા છે જેઓ પરિણીત હોવા છતાં પ્રેમમાં પડ્યા હતા. બોલીવુડ આવી કહાની અને વાર્તાઓથી ભરેલું છે. આવી જ એક અનોખી પ્રેમ કહાની હતી નરગીસ અને સુનીલ દત્તની.

બોલિવૂડના અનેક જોડીએ એવી છે જેમની લવ સ્ટોરી ખુબ ચર્ચામાં રહી હતી. જેના અમિતાભ-રેખા, સલમાન-ઐશ્વર્યા, શાહિદ-કરિના, સંજય દત્ત-માધુરી અને સૌથી છેલ્લે જેની ચર્ચા વગર આ યાદી અધુરી રહે તે છે નરગીસ અને સુનિલ દત્તની. આ યાદીમાં ઘણી પ્રેમ કહાની એવી છે જે લગ્ન સુધી ન પહોંચી શકી.

બોલિવૂડના ફેમસ એક્ટર સુનીલ દત્તે હિન્દી સિનેમામાં પોતાની ફિલ્મો અને પોતાની સ્ટાઈલથી એક જબરદસ્ત ઓળખ બનાવી છે. તેણે હિન્દી સિનેમામાં ફિલ્મ ‘રેલ્વે પ્લેટફોર્મ’થી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા ફિલ્મ ‘મધર ઈન્ડિયા’થી મળી હતી. કદાચ તમને ખબર નહીં હોય કે સુનીલ દત્તનો જન્મ પાકિસ્તાનના ખુર્દ ગામમાં થયો હતો, પરંતુ આઝાદી બાદ તેઓ પરિવાર સાથે ભારત આવીને રહેવા લાગ્યા હતા.

નોંધનિય છે કે, સુનીલ દત્ત અને નરગીસ જી બંને ખુબ જાણીતા કલાકારો હતા. આજના યુગમાં જ્યારે આખી દુનિયા પ્રેમીઓની વિરુદ્ધ જઈ રહી છે અને પ્રેમનો માર્ગ મુશ્કેલ બની રહ્યો છે ત્યારે નરગીસ અને સુનીલ દત્તની આ કહાની દરેક પ્રેમીઓને પ્રેરણા આપે છે.

હવે આ કહાનીની શરૂઆત થાય છે જ્યારે સુનીલ દત્ત સિલોન રેડિયોમાં રેડિયો જોકી તરીકે કામ કરતા હતા. ત્યારે તેમને ફિલ્મોમાં એક્ટિંગ અંગે કોઈ સંબંધ નહોતો. પરંતુ અહીં જ તે નરગીસને પહેલીવાર મળ્યા હતા. વાત એમ છે કે, સુનિલ દત્તને રેડિયો માટે નરગીસનો ઈન્ટરવ્યુ લેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ તે ભારતની ખૂબ મોટી અભિનેત્રી બની ગઈ હતી. આપણે સહુ જાણીએ છીએ રાજ કપૂર સાથેની તેની જોડી ફિલ્મોમાં ખૂબ જ લોકપ્રીય રહી.

તો બીજી તરફ ઈન્ટરવ્યુ દરમિયાન નરગીસને પોતાની સામે જોઈને સુનીલ દત્ત એટલા નર્વસ થઈ ગયા કે તે તેમને એક પણ સવાલ પૂછી શક્યા નહીં. સ્થિતિ એવી આવી ગઈ હતી કે તે સમયે સુનીલ દત્તની નોકરી જતી રહેવાની હતી.

ત્યાર બાદ નરગીસ અને સુનીલ દત્ત બીજી મુલાકાત બિમલ રોયની ફિલ્મ ‘દો બીઘા જમીન’ના સેટ પર થઈ. નરગીસ ત્યાં બિમલ રોયને મળવા પહોંચી હતી અને સુનીલ દત્ત કામની શોધમાં ત્યાં પહોંચ્યા હતા. જ્યારે સુનીલને તેમણે જોયા ત્યારે નરગીસને પાછલી ઘટના યાદ આવી ગઈ. તે તેને જોઈને હસવા લાગી અને આગળ વધી ગઈ.

આ પછી સુનીલ દત્તને મહેબૂબ ખાનની ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં નરગીસના પુત્રનો રોલ ઓફર થયો.
ત્યાર પણ શૂટિંગ દરમિયાન સુનીલજી નરગિસની સામે વારંવાર નર્વસ થઈ જતા અને એક્ટિંગ કરી શકતા ન હતા. પરંતુ નરગીસે ​​આ સમય દરમિયાન તેને ઘણી મદદ કરી જેથી તે સરળતાથી એક્ટિંગ કરી શકે. નરગીસની આ ઉદારતાના કારણે સુનીલ દત્ત તેની સાથે ખૂબ જ આકર્ષાયા.

એવુ પણ કહેવાય છે કે આમાં સુનીલ દત્તને જે રોલ ઓફર થયો હતો તે પહેલા દિલીપ કુમારને ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ દિલીપ કુમારે આ રોલ કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ નરગીસના પુત્રનો રોલ કરવા માંગતા ન હતા. આ અંગે દિલીપ કુમારે સ્પષ્ટતા કરી કે નરગીસ મારી હિરોઈન છે, હું તેના દીકરાનો રોલ કેવી રીતે નિભાવી શકું.

એક દૂર્ઘટનાએ બન્નેની બદલી નાખી જિંદગી

ત્યાર બાદ એક એવી ઘટના બની જેણે સુનીલ દત્ત અને નરગીસને હંમેશા માટે નજીક લાવી દીધા. આ ઘટના ગુજરાતના બીલીમોર ગામમાં બની છે. તમને જણાવી દઈએ કે, આ શહેરમાં ‘મધર ઈન્ડિયા’નો સેટ લાગેલો હતો. ત્યાં, એક દ્રશ્ય ફિલ્માવવા માટે ચારેબાજુ ઘાસના પુળા ગોઠવવામાં આવ્યા હતા. આ દ્રશ્ય ફિલ્માવવા માટે ઘાસના પુળામાં આગ લગાડવામાં આવી હતી. અચાનક આગ ચારે તરફ ફેલાઈ ગઈ. હવે બન્યુ એવુ કે આ સીન કરતી વખતે નરગીસ આગમાં ફસાઈ ગઈ. હવે સુનીલ દત્તે પોતાના જીવના જોખમે નરગીસને બચાવવા આગમાં કૂદી પડયા. તેમણે નરગીસને બચાવી લીધા પણ પોતે ખરાબ રીતે દાજી ગયા. તે એટલા દાજી ગયા હતા કે તે વારંવાર બેહોશ થવા લાગ્યા. તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી.

ત્યાર બાદ નરગીસજી દરરોજ હોસ્પિટલમાં જતા અને તેમની સંભાળ લેતા. આગની દુર્ઘટના પછી, નરગીસનું વલણ સુનીલ દત્ત પ્રત્યે સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ દરમિયાન સુનીલ દત્તની બહેન બીમાર પડી. તે બોમ્બેમાં કોઈ ડૉક્ટરને જાણતી નહોતી. ત્યાર બાદ સુનીલ દત્તને જાણ કર્યા વિના, નરગીસ તેની બહેનને હોસ્પિટલ લઈ ગઈ અને તેની સારવાર કરાવી. સુનીલ દત્ત પહેલાથી જ નરગીસને ચાહતા હતા પરંતુ આ ઘટના બાદ તેમણે નક્કી કરી લીધુ કે તે તેમની સાથે જ જિંદગી વિતાવશે. આ પછી તે નરગીસને પ્રપોઝ કરવાથી પોતાની જાતને રોકી ન શક્યા. તેમણે નરગીસને પ્રપોઝ કર્યું અને નરગીસે ​​તેનો સ્વીકાર કર્યો. જે બાદ બંનેએ લગ્ન કરી લીધા.

જ્યારે પાકિસ્તાની લોકોએ સુનિલ દત્તને ત્યાં રહેવાનું કહ્યું

સુનીલ દત્તે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, મને હંમેશા લાગતું હતું કે પાકિસ્તાનના લોકો ખૂબ જ નમ્ર અને સંભાળ રાખનારા છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે હું પાકિસ્તાન સ્થિત મારા ગામમાં પહોંચ્યો ત્યારે તમામ ગામના લોકોએ સાથે મળીને મારું સ્વાગત કર્યું હતું. પહેલા મને લાગ્યું કે તેઓ આમ કરી રહ્યા છે કારણ કે તેઓ મને ઓળખે છે અને હું એક અભિનેતા છું. પરંતુ તેઓ ખરેખર સમજી ગયા કે હું ત્યાંનો છું. ત્યાંના યુવાનોએ મને મોટા બેનર આપ્યા હતા, જેના પર લખ્યું હતું ‘ખુર્દમાં તમારી સ્વાગત છે સુનીલ દત્ત. એ ક્ષણો મારા માટે ખરેખર ભાવુક હતી. તેએ મને તેમની સાથે ખેતરોમાં લઈ ગયા અને કહ્યું, ‘યે તેરી જમીન હૈ બલ્લા.’ મેં તેમને કહ્યું કે ના, તે ફક્ત તમારી છે. તો તેમનો જવાબ હતો, ‘ના તમે અહીં આવો, હું તમને આપી દઈશ.

પુત્ર સંજયની ડેબ્યુ ફિલ્મ જોઈ શકી નહીં

તમને જણાવી દઈએ કે, સંજય દત્તની પહેલી ફિલ્મ ‘રોકી’ 1981માં એપ્રિલ-મેમાં રિલીઝ થવાની હતી. ત્યારે નરગીસજી બીમાર પડ્યા. તેને કેન્સર હતું. સંજુની ફિલ્મ જોવા માટે તે બેચેન હતા. તેણે પુત્ર સંજુને કહ્યું હતું કે તે બીમાર છે અને તેને સ્ટ્રેચર પર લઈ જવા પડશે, તો પણ તે ફિલ્મ ચોક્કસ જોશે. આ ફિલ્મ 8 મેના રોજ રિલીઝ થવાની હતી પરંતુ નરગીસનું 3 મેના રોજ અવસાન થયું હતું. જે દિવસે ફિલ્મ રિલિઝ થઈ તે દિવસે નરગીસ માટે એક સીટ ખાલી રાખવામાં આવી હતી.

ડોક્ટરોએ સુનીલ દત્તને નરગીસને મારવાની સલાહ આપી હતી

વાત એમ છે કે, નરગીસ કેન્સરથી પીડિત હતા. તેના આખા શરીરમાં ખૂબ જ દુખાવો થતો હતો. તેથી જ ડોક્ટરોએ સુનીલ દત્તને નરગીસની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાની સલાહ પણ આપી હતી. પરંતુ સુનીલ દત્તે તેમ કરવાની ના પાડી દીધી હતી. તેઓ છેલ્લી ઘડી સુધી તેમની સાથે રહ્યા.

જ્યારે નારાજ થઈને મોસ્કો ટૂર છોડી દીધી

એ તો બધા જાણે જ છે કે, રાજ કપૂર અને નરગીસની જોડી તેમની લોકપ્રિય ફિલ્મોથી ઘણી ફેમસ થઈ ગઈ હતી. તેમની ફિલ્મો રશિયામાં પણ ખૂબ ધૂમ મચાવતી હતી. એકવાર નરગીસ રાજ કપૂર સાથે મોસ્કો ગયા હતા. પરંતુ લોકોએ તેને સ્વતંત્ર રીતે મહત્વ ન આપીને રાજ કપૂરની હિરોઈન જેટલું જ મહત્વ આપ્યું. નરગીસને પુરું સન્માન ન મળવાનું ખરાબ લાગ્યું અને તે મોસ્કો ટૂરની અધવચ્ચેથી ભારત પરત આવી ગયા.

20 વર્ષ પછી રાજ કપૂર સાથે થઈ મુલાકાત

નોંધનિય છે કે, સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા બાદ નરગીસ પોતાના સાંસારિક જીવનમાં સંપૂર્ણપણે વ્યસ્ત થઈ ગયા હતા. આ પહેલા તેણે રાજ કપૂર સાથે ‘આવારા’, ‘શ્રી 420’ અને ‘બરસાત’ જેવી 16 ફિલ્મો કરી હતી. પરંતુ બાદમાં તે રાજ કપૂરને ન મળી. ત્યારપછી લગભગ 20 વર્ષ પછી જ્યારે રાજ કપૂરે પુત્ર ઋષિ કપૂરની સગાઈ બાદ બોમ્બેના દેવનાર બંગલામાં પાર્ટી આપી ત્યારે તેમાં નરગીસને પણ બોલાવવામાં આવ્યા હતા. આ રીતે બંને 20 વર્ષ પછી મળ્યા હતા. આ પાર્ટીમાં સુનીલ દત્ત અને સંજય દત્ત પણ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *