Cricketer Sachin Tendulkar's cricket career

ક્રિકેટનું નામ આવે એટલે દરેક ભારતીયના મનમાં સચિન નામ આવ્યા વગર ન રહે. આમ દરેક ક્રિકેટરનું સપનુ સચિન બનવાનું હોય છે. કારણ કે સચિને ક્રિકેટની દુનિયામાં એવા એવા કારનામા કર્યા છે જેને કારણે તેને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. પરંતુ મિત્રો તેમની શરૂઆત સારી રહી નહતી.

શું કોઈ કલ્પના કરી શકે છે કે એક ક્રિકેટર જેની કારકિર્દીની શરૂઆત શૂન્યથી થઈ હોય, તે દાયકા પસાર થતાં રનના આવા પહાડ પર બેઠો હશે, જે કોઈ ઉભરતા ક્રિકેટર માટે એક સ્વપ્ન સમાન હશે. શું કોઈ કલ્પના કરી શકે છે કે જે ક્રિકેટર પોતાની કારકિર્દીની પ્રથમ 79 વન-ડેમાં એક સદી બનાવવા માટે તરસતો હોય અને તે આગામી 4 વર્ષમાં સદીના શિખર પર બેસી જાય? પરંતુ કહેવાય છે કે ક્રિકેટ અનિશ્ચિતતાઓનો ખેલ છે, તેવી જ રીતે ક્રિકેટરની કારકિર્દી તેના કરતા વધુ અનિશ્ચિતતાઓથી ભરેલી હોય છે.

આ કહાનીની શરૂઆત 1989ના શિયાળાથી શરૂ થાય છે. તે સમયે દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનની પેસ બેટરીનો સામનો કરી રહ્યા હતા તો બીજી તરફ દેશની ક્રિકેટ ટીમ પાકિસ્તાની પેસ બેટરીનો સામનો કરી રહી હતી, જેમા ઈમરાન ખાન, વસીમ અકરમ અને વકાર યુનુસ જેવા દિગ્ગજો સામેલ હતા. પાકિસ્તાનની ધરતી પર.

એક નામ જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા
તે સમયે રાજ સિંહ ડુંગરપુર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIની પસંદગી સમિતિના અધ્યક્ષ હતા. ક્રિકેટરોમાં રાજ ભાઈ તરીકે પ્રખ્યાત હતા. જ્યારે તેણે ભારતીય ટીમ પાકિસ્તાન જવાની જાહેરાત કરી ત્યારે તેમાં એક નામ જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા. તે નામ હતું સચિન તેંડુલકરનું, લગભગ સાડા સોળ વર્ષના છોકરાનું નામ સામે આવતા બધાને લાગ્યું કે આ ‘બાળક’ને પાકિસ્તાનના આટલા ખતરનાક ખેલાડીઓની સામે મોકલવાનો અર્થ કસાઈની સામે બકરો મોકલવા જેવુ હશે. પણ રાજ ભાઈ અડગ રહ્યા. ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ. કેપ્ટન શ્રીકાંત સિવાય, બધાએ જોર લગાવ્યું અને ચારેય ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ.

ત્યાર બાદ શરૂ થઈ વનડે સિરીઝ. 16 ડિસેમ્બરે, પ્રથમ ODI મેચ વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે ધોવાઈ ગઈ હતી. ત્યારબાદ 18 ડિસેમ્બર આવી. હિન્દીભાષી ભારતીયોના દૃષ્ટિકોણથી, ખરમાસનો મહિનો, જ્યારે કોઈ શુભ કાર્ય શરૂ કરવામાં આવતુ નથી. પરંતુ તે જ મહિનામાં રાજ ભાઈનો બ્લુ આઈડ બોય સચિન તેંડુલકર તેની પ્રથમ ODI મેચ રમવા આવ્યો. ગુજરાંવાલા શહેરનું ક્રિકેટ સ્ટેડિયમ હતું. વરસાદ અને ખરાબ લાઇટે ફરી એકવાર મેચમાં ખલેલ પહોંચાડી. પરંતુ એક દિવસ હવામાન સાફ થતાં અમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કર્યું. મેચ 50-50 ઓવરની જગ્યાએ 16-16 ઓવરની રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો.

શ્રીકાંતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ભારતીય કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. કપિલ દેવ આ મેચમાં ભારત તરફથી રમી રહ્યા ન હતા. પરંતુ ત્રણ નવા ખેલાડીઓએ ડેબ્યુ કર્યું – બે ઝડપી બોલર વિવેક રાઝદાન અને સલિલ અંકોલા અને એક બેટ્સમેન સચિન તેંડુલકર. ત્યાર બાદ પાકિસ્તાનની બેટિંગ શરૂ થઈ. બંને ઓપનર મન્સૂર અખ્તર અને રમીઝ રાજાએ સાવધાનીપૂર્વક રમવાનું શરૂ કર્યું.

પરંતુ એક તરફ ઓછી ઓવરોનું દબાણ અને બીજી તરફ મનોજ પ્રભાકરના નેતૃત્વમાં ભારતના યુવા મીડિયમ પેસ બોલરનો એટેક. પાકિસ્તાનની વિકેટો ઉતાવળમાં પડવા લાગી. 34 રનના સ્કોર સુધીમાં તો રમીઝ રાજા, સલીમ મલિક અને પિંચ હિટર વસીમ અકરમ ત્રણેય પેવેલિયન ભેગા થઈ ગયા હતા. પરંતુ ત્યાર પછી યુવા ખેલાડી સઈદ અનવર મન્સૂર અખ્તરને સપોર્ટ કરવા આવ્યો. એક બાજુથી વચ્ચે-વચ્ચે વિકેટો પડતી રહી, પરંતુ સઈદ અનવરે મક્કમ રીતે બેટિંગ ચાલુ રાખી. 16 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 9 વિકેટે 87 રન હતો. જેમાં સઈદ અનવરનો સ્કોર 32 બોલમાં અણનમ 42 રન હતો.

સચિન અઝહરુદ્દીનને સપોર્ટ કરવા મેદાનમાં ઉતર્યો
ત્યાર બાદ ભારતની બેટિંગ શરૂ થઈ. રમણ લાંબાએ કેપ્ટન શ્રીકાંત સાથે ઇનિંગની શરૂઆત કરી. શ્રીકાંતને આ પ્રવાસમાં વસીમ અકરમે ખૂબ જ હેરાન કર્યો હતો. તે આખી ટેસ્ટ સિરીઝમાં નિષ્ફળ રહ્યો હતો. જો કે આ મેચમાં પણ તેનું બેટ ન ચાલ્યું. તે માત્ર 17 રન બનાવી વકાર યુનિસનો શિકાર બન્યો. રમણ લાંબા અને નવજોત સિંહ સિદ્ધુ પણ 34 રને પહોંચ્યા ત્યાં સુધીમાં પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ ત્યારબાદ સચિન તેંડુલકર મોહમ્મદ અઝહરુદ્દીનને સપોર્ટ કરવા મેદાનમાં ઉતર્યો હતો.

ODI ઇનિંગ માત્ર બે બોલમાં જ ખતમ
તો બીજી તરફ લોકોને પણ સચિન પાસેથી અપેક્ષાઓ હતી, કારણ કે જ્યારે સચિને નવજોત સિંહ સિદ્ધુ સાથે મળીને સિયાલકોટ ટેસ્ટ ડ્રો કરાવી હતી તેનું એક અઠવાડિયું પણ પસાર થયું ન હતું. પરંતુ લોકોની આશાઓ ઝડપથી તૂટી ગઈ કારણ કે ડબલ ડબલ્યુએ સચિન તેંડુલકરની પ્રથમ ODI ઇનિંગ માત્ર બે બોલમાં જ ખતમ કરી નાખી. ડબલ ડબલ્યુ એટલે વકાર યુનુસ અને વસીમ અકરમ. સચિને વકારના ઇન-સ્વિંગર પર બેટ મૂક્યું અને બોલ સીધો વસીમ અકરમના હાથમાં ગયો. સચિન તેંડુલકરની વનડે કારકિર્દીની શરૂઆત સારી રહી ન હતી. જો કે, એક મહિના પહેલા પણ સચિનની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત સારી રહી ન હતી, જ્યારે તે કરાચીની પ્રથમ ટેસ્ટમાં માત્ર 15 રન બનાવીને વકાર યુનિસના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો.

શું થયું હતું આ મેચમાં
ચાલો ફરી આ વન-ડે વિશે વાત કરીએ, જ્યાંરે સચિન ​​આઉટ થયો ત્યાર બાદ વકાર યુનિસે તેની આગલી જ ઓવરમાં રવિ શાસ્ત્રીને પણ આઉટ કરી દીધો અને મેચ પાકિસ્તાનની તરફેણમાં લાવી દીધી. અને જ્યારે 16 ઓવર પૂરી થઈ ત્યારે સ્કોર બોર્ડ પર ભારતનો સ્કોર હતો – 9 વિકેટના નુકસાને 80 રન. ભારત આ મેચ 7 રનથી હારી ગયું હતું. સઈદ અનવરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચ બાદ સચિન તેંડુલકરને પાકિસ્તાન પ્રવાસની બાકીની બે વનડેમાં તક આપવામાં આવી ન હતી. પરંતુ આ પ્રવાસ પૂરો થયો. એ પછી રાજ ભાઈના સપનાનો ક્રિકેટનો દાયકો શરૂ થયો. 90 ના દાયકામાં સચિન સહિતના યુવા ખેલાડીઓ માટે તકોની કોઈ કમી નહોતી. રાજભાઈએ અઝહરુદ્દીનને પૂછ્યું, “મિયાં, તમે કેપ્ટન બનશો?”

ટીકાકારો પણ બોલતા બંધ થઈ ગયા
અને અઝહરને કેપ્ટન પણ બનાવ્યો. પછી અઝહરની કપ્તાની હેઠળના સમગ્ર દાયકા દરમિયાન, સચિન તેંડુલકરને ઘણી તકો આપવામાં આવી અને તેણે પોતાની પસંદગીને સાચી સાબિત કરી બતાવી. સચિનના શાનદાર પ્રદર્શનથી રાજભાઈના ટીકાકારો પણ બોલતા બંધ થઈ ગયા, જેઓ સચિનને ​​પાકિસ્તાન મોકલવાના તેમના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. 23 વર્ષ પછી 2012માં જ્યારે સચિને ODI ક્રિકેટને અલવિદા કહ્યું, ત્યાં સુધીમાં તેના નામે 18,426 રન અને 49 સદી રેકોર્ડ બુકમાં નોંધાઈ ચૂક્યો હતો અને આજે પણ આ રેકોર્ડની આસપાસ કોઈ પહોંચી શક્યું નથી.

સૌથી મોટા આઇકન તરીકે ઉભરી આવ્યો
કોણે વિચાર્યું હશે કે શૂન્યથી શરૂઆત કરનાર આ ક્રિકેટર પાસે એટલા બધા રેકોર્ડ હશે કે અલગ રેકોર્ડ બુકની જરૂર પડશે? તેમની કારકિર્દી પર નજર કરીએ તો ODI ક્રિકેટમાં સૌથી વધુ રન (18426) અને સદી (49), ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન (15921) અને સદી (51) – આ તમામ સિદ્ધિઓ સચિન તેંડુલકરના ખાતામાં નોંધાયેલી છે. પરંતુ સચિનના કેરિયરની શરૂઆતમાં કોણે કલ્પના કરી હશે કે તે ભારતીય અર્થવ્યવસ્થાના મુક્ત બજારની દૂનિયામાં પ્રવેશના દાયકામાં જાહેરાત જગતનો સૌથી વિશ્વસનીય બ્રાન્ડ એમ્બેસેડર બની જશે. પરંતુ આ બધું થયું અને સચિન તેંડુલકર તેના યુગમાં ભારતના સૌથી મોટા આઇકન તરીકે ઉભરી આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *